|| અનુભવ : વિવિધ ભાવોનું બંધન ||
અનુભવ એટલે શું?
શું ક્યારેય એ વિષે આપણે વિચાર્યું છે? જીવનની આ રાહમાં આપણો મુખ્ય સાથી અને ગુરુ હોય તો તે અનુભવ છે. મારા ખ્યાલથી અનુભવ એ વિવિધ પ્રકારનાં ભાવોનું બંધન હોય છે જે આપણને જીવનભર કોઈ ને કોઈ ઘટના કે પ્રસંગ સાથે બાંધી રાખે છે. વ્યાપક અર્થમાં જોઈએ તો અનુભવ એ શિક્ષણની જ એક પ્રકારની શાખા કે પ્રશાખા છે. વ્યાવહારિક ભાષામાં સમજીએ તો જેમ બીજની અંદર તેનું તેલ છુપાયેલું છે, જેમ કાષ્ઠ અને ચકમક પથ્થરની અંદર અગ્નિ છુપાયેલ છે તેમ જીવન અને અનુભવ બંને એકબીજાની અંદર જ છુપાયેલ છે. જ્યાં સુધી જીવને જીવન મળતું નથી ત્યાં સુધી તે અનુભવ શું છે તે સમજી શકતો નથી અને અનુભવ વગર જીવનનું તાત્પર્ય સમજમાં નથી આવતું.
The Philosophy of Religion ના લેખક ગૈલોવેનું માનવું છે કે વ્યક્તિગત અનુભવ એ સંજ્ઞાનાત્મક, ક્રિયાત્મક અને ભાવનાત્મક એમ ત્રણ પરિબળ પર આધાર રાખે છે. તેઓ કહે છે કે માનવ મસ્તિષ્કમાં ત્રણ પ્રકારની પ્રક્રિયા નિરંતર ચાલતી હોય છે. પ્રથમ સંજ્ઞાનાત્મક (#Cognitive), ભાવનાત્મક (#Affective), અને ક્રિયાત્મક (#Conative) નો સંબંધ બુધ્ધિ અને વિશ્વાસથી જોડાયેલ હોય છે. તેથી “આ બુધ્ધિ અને વિશ્વાસ આપણને સમય અનુસાર જે શીખવે છે તેનું નામ અનુભવ છે.“
જ્યારે ભારતીય દાર્શનિક અનુસાર સપ્તપ્રકૃતિ એટલે કે પાંચ ઇન્દ્રિયો અને મન અને બુધ્ધિના માધ્યમથી આપણને જે શીખવા મળે છે તેનું નામ અનુભવ છે. સંસ્કૃત ગ્રંથ “સ્મૃતિભિન્નમ”માં કહ્યું છે કે “અતીતની સ્મૃતિમાં રહેલ વિવિધ જ્ઞાન” એ અનુભવ છે જે આપણને ભવિષ્ય માટે તૈયાર કરે છે.
જે અનુભવની આપણે વાત કરી રહ્યા છીએ તે અનુભવની ખાસ બાબત એ પણ છે કે જ્ઞાન અને સમજણ વિના તેનું મૂલ્ય નિરર્થક અને શૂન્ય થઈ જાય છે. પંચતંત્રમાં કથા છે કે ત્રણ મિત્રો આશ્રમમાંથી વિવિધ વિદ્યા સાથે સંજીવની વિદ્યાનો અભ્યાસ કરી પોતાને ઘેર જવા નીકળ્યાં. રસ્તામાં તેમને એક વટેમાર્ગુ મળ્યો. ચારેય જણા ચાલતાં ચાલતાં જંગલમાં આવ્યાં. જંગલમાં પ્રવેશતા જ બધાને કોઈક પ્રાણીના હાડકાં દેખાયા આથી એક મિત્રએ કહ્યું ચાલો આ પ્રાણીને જીવિત કરીએ. તેની વાત સાંભળી એકે કહ્યું હું હાડકા સાંધું, બીજો કહે હું ચામડું ચઢાવું ને ત્રીજો કહે હું જીવતદાન આપું. આમ કહી પ્રથમ બે જણાએ એ પ્રાણીનો ઢાંચો તૈયાર કર્યો ત્યાં ચોથો કહે આ તો વાઘ છે આને જીવતો ના કરાય. ત્રણે મિત્રો કહે જીવતદાન આપવું એ પુણ્યનું કામ. ચોથો કહે જો આપણે જ જીવતા ન રહીએ તો પુણ્યદાન શા કામનું? પણ તે મિત્રો માન્યાં નહીં તેથી ચોથી વ્યક્તિ ઝાડ ઉપર ચડી ગઈ ને આ બાજુ વાઘને જીવતો થતાં જ તે ત્રણેય મિત્રોને ખાઈ ગયો,
આ કથા કહેવાનો હેતુ એ છે કે સમજણ વગરનું જ્ઞાન એ નકામું હોય છે; ક્યારેક સમજણ ન પડે તો પણ અનુભવીઓની વાત માનવામાં વાંધો નથી હોતો, બસ અનુભવ અને અનુભવીઓની ઈર્ષા કરતાં અહંકારને બાજુમાં મૂકવો પડે છે. હા, આવા અનુભવીને અનુભવથી વૃધ્ધ અને સમૃધ્ધ થયેલી વ્યક્તિ છે એમ ચોક્કસ માનવામાં આવે છે. ઈમ્માનૂઇલ નબુબીએ કહ્યું છે કે અનુભવ માણસને જન્મથી મળતી અદ્ભુત ભેટ છે, જે સમય અનુસાર માણસને ધીમે ધીમે મળે છે. ઈમ્માનૂઇલજીની વાત મને હંમેશા સાચી લાગી છે, તેથી આજની પૂર્વીને હું તરાસવા જાઉં છુ તો ખ્યાલ આવે છે કે મારા અનુભવો અને મારી અભિવ્યક્તિને કારણે હું વધારે સબળ થઈને ખીલી છુ. કેવળ અનુભવોની જ વાત કરું તો મારૂ મન વિવિધ દિશામાં જતું રહે છે. એમાંથી એક દિશા મને એ સમય પાસે લઈ જાય છે, જે દિવસે હું મોડી રાત્રે મારા સ્ટોર ઉપરથી ઘરે પાછી ફરવાની તૈયારી કરતી હતી, ત્યાં સ્ટોરમાં ઘૂસી આવેલા ગુંડા સાથે ઝપાઝપી થઈ ગયેલી, પરંતુ હું 911 નંબર લગાવવામાં સફળ રહેલી. અમુક પળોની અંદર જ આવી ગયેલી પોલીસને કારણે હું બચી ગયેલી, પણ પોલીસે બીજે દિવસે મને બ્રેવ લેડી કહી આપેલું સર્ટિફિકેટ આજેય મારી સાથે છે. સ્વને બચાવવાનો એ આનંદ જેટલો અદ્ભુત હતો તેનાથી વધુ આનંદ મુંબઈને બચાવવાનો થયેલો.
૨૦૧૨માં સપરિવાર ઈન્ડિયા આવેલી, ત્યારે એરપોર્ટની બહાર નધણીયાતો સામાન જોયો, પહેલા તો લાગ્યું કે જેનું હોય તેનું જવા દઈએ, પણ મારી અંદર છુપાયેલી એ બ્રેવ લેડીએ કૂદકો માર્યો અને એરપોર્ટ પોલીસને જઈને જાણ કરી. એ પોલીસે એ સામાન કબ્જે કર્યો. બે દિવસ પછી જાણવા મળ્યું કે તે છોડાયેલા સામાનમાં મુંબઈની ગલીઓને લોહિયાળ કરવાનો પૂરતો સામાન હતો ત્યારે એ એક પળનો મે આભાર માન્યો અને વિચાર્યું કે અગાઉનાં મારા એક અનુભવે આજે કેટલાય પરિવારોને તૂટતાં બચાવી લીધાં.
જો કે મારું એ ય માનવું છે કે જ્ઞાન આપણો પરિચય સમાજના વિભિન્ન ક્ષેત્ર સાથે કરાવે છે, જ્યારે અનુભવ આપણને વિનમ્ર થતાં શીખવે છે. મારા જ્ઞાનની થિયેરીમાંથી બહાર નીકળીને જોઉં છું તો લાગે છે કે તે સમયની પૂર્વી ને આજની પૂર્વીમાં યે ઘણો ફરક છે. આજની પૂર્વી ઘણી ઘણી વાતોને લઈને ડરી જાય છે, ત્યારે વિચારું છુ કે તે બ્રેવ લેડી ક્યાં ખોવાઈ ગઈ? મુંબઈ પોલીસે તે સમયે એક વાક્ય કહ્યું હતું કે “ ભયાનક ઘટનામાંથી બહાર નીકળેલો અનુભવી એ આખલા જેવો હોય છે જે પોતાની સામે આવતી પરિસ્થિતિ મુજબ વર્તે છે. ક્યારેક એવું લાગે છે કે આપણે કશું જ કરી શકીએ તેમ નથી, પણ સમય અને પૂર્વાનુભવ હંમેશા આપણને ચેતતા રાખે છે જેને કારણે આપણે ક્યારેક એવા કામ કરી જઈએ છીએ જેની આપણે ક્યારેય કલ્પના કરી હોતી નથી.” આ તો થઈ મારા અનુભવોની વાત, પણ કોઈપણ પ્રકારનાં અનુભવોને વર્ણવવા હોય ત્યારે શું સ્ત્રી અને પુરુષની નજરે જુદા પડે છે? ક્યારેક લાગે છે કે ના, સ્ત્રી અને પુરુષ બંનેની નજર એક સરખી જ હોય છે કારણ કે એક જ પ્રકારની ઘટના એક જ પ્રકારે અનુભવી શકાય છે. કેવળ બે મનની કે મગજની સમજવાની રીત અલગ અલગ હોય શકે પણ શબ્દોમાં તે એક જ પ્રકારે ઢળે છે. અમેરિકન સાયકોલોજિસ્ટ ડો. ટીમોથી વિલિયમ્સનું કહેવું છે કે એક જ સમયે બનતી ઘટનાના અનુભવને સ્ત્રીઓ સંવેદનાથી પ્રગટ કરે છે જ્યારે પુરુષો કેવળ ઘટનાની નજરથી જુએ છે. તેથી એક જ ઘટનાને વર્ણવવાના શબ્દો પણ અલગ અલગ હોય છે.
આ અનુભવ ઉપરથી “અનુભૂતિ અને અભિવ્યક્તિ” એમ બે શબ્દ પ્રગટ થયાં. જેમાંથી અનુભૂતિને આપણે લાગણી તરીકે સંબોધી શકીએ છીએ, પરંતુ મારું ધારવું છે કે અનુભૂતિ એ લાગણી અને બુધ્ધિથી પર હોય છે. જ્યારે કોઇની સમજણ, ભાવના અને જ્ઞાનને સમજે, જાણે, વાંચે કે તેમના વિષે લખે કે બે શબ્દ બોલે તેને અભિવ્યક્તિ કહેવાય. અનુભૂતિ એ કેવળ વિશ્વાસ પર આધાર રાખે છે. દા.ખ એક ફૂલ હાથમાં લઈ સુંઘ્યું તે અનુભવ અને ફૂલ હાથમાં ન હોવા છતાં તેની સુવાસને શ્વાસમાં ભરી શકીએ તે અનુભૂતિ. આ અનુભૂતિ તે મોટેભાગે આપણી છઠ્ઠી ચેતનાશક્તિ સાથે જોડાયેલ હોય છે. અનુભૂતિ લૌકિક અને અલૌકિક બંન્ને જગતનાં સંદર્ભમાં હોઈ શકે છે. પરંતુ મન અને બુધ્ધિના સ્ટાર ઉપર અનુભૂતિનું વિશ્લેષણ કરવું કઠિન છે. તેમ છતાં એમ કહી શકાય કે લૌકિકમાં પ્રિયજન સાથે જોડતી અને અલૌકિક કે આધ્યાત્મક માર્ગમાં આગળ વધવા ઇચ્છતા સાધક માટે સાધનરૂપ અને માર્ગદર્શક બની ગતિ પ્રદાન કરતી અનુભૂતિ તે #milestone છે. જ્યારે અભિવ્યક્તિને વ્યક્તિના મનોભાવને વિવિધ હાવભાવ, શબ્દો, ભંગિમાથી વ્યક્ત કરવાનું મુખ્ય સાધન માનવામાં આવ્યું છે; આથી એમ કહી શકાય કે અભિવ્યક્તિનો મુખ્ય આધાર વિચાર, જ્ઞાન અને ક્રિયા છે. પરંતુ મન ને શાંતિ આપવા માટે અભિવ્યક્ત કરવું એ સૌથી સરળ પણ છે અને કઠિન પણ છે. જે બોલે છે, કરે છે, પ્રગટ કરે છે તેવી વ્યક્તિઓ ચૂપ રહેતા અને પોતાની લાગણી કે અનુભૂતિને છુપાવી દેતા લોકોથી વધુ શાંતિ મેળવે છે.
અંતે:-
અનુભવથી સમૃધ્ધ થયેલ અને અનુભૂતિથી ભરેલ વ્યક્તિઓએ પોતાના અનુભવને હંમેશા અભિવ્યક્ત કરવા જોઈએ. અનુભવો અભિવ્યક્ત કરવાથી જ્ઞાન, વિચાર અને ચિંતનનો પ્રસાર થાય છે. આ પ્રસાર થતો અનુભવ એક પ્રકારનો કર્મયોગ જ છે જે સમાજને પોતાની સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોની પરખ કરાવે છે.
0 Comments
જો તમને ગમ્યું તો તમારા ગમતા લોકો સાથે શેર કરો...